Amit Shah Full Speech On Operation Sindoor : ઓપરેશન સિંદૂરને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જોરદાર ભાષણ આપ્યું છે, વિપક્ષના તમામ સવાલોના જવાબ તેમના તરફથી આપવામાં આવ્યા છે. તેમણે સેનાની બહાદુરીને સલામ તો કરી જ છે સાથે જ પુરાવા ગેંગ ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહે પહેલગામ તપાસ અંગે પણ ઘણા ખુલાસા કર્યા છે. અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન સામે શરણમાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો.
પહેલગામ હુમલાની તપાસ અંગે અમિત શાહે જણાવ્યું હતું કે તપાસની શરૂઆત થકવી નાખનારી તપાસ રહી છે. તપાસ દરમિયાન મૃતકના પરિવારજનો સાથે ચર્ચા થઇ હતી, અન્ય ઘણા લોકો સાથે વાત થઇ હતી. કુલ મળીને 1055 લોકોની 3000 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેના આધારે સ્કેચ બનાવવામાં આવ્યા હતા અને જેમણે આતંકીઓને આશરો આપ્યો હતો તેમની શોધ કરવામાં આવી હતી.
પહેલગામ હુમલા પછી તરત જ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત કરી હતી
અમિત શાહે પહેલગામ હુમલા પછી થયેલી કાર્યવાહીને લઇને કહ્યું કે પહેલગામ હુમલા પછી તરત જ હું અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત કરી હતી. મેં એક મહિલાને મારી સામે ઊભેલી જોઈ, જે લગ્નના 6 દિવસ પછી જ વિધવા બની હતી – હું તે દ્રશ્ય ક્યારેય ભૂલી શકતો નથી. હું આજે તમામ પરિવારને કહેવા માંગુ છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા તે લોકોને મોકલનારને મારી નાખ્યા છે અને આજે આપણા સુરક્ષા દળોએ તે લોકોને પણ માર્યા છે જેમણે હત્યા કરી હતી.
ત્રણેય આતંકવાદી પાકિસ્તાનના હતા
આ પછી અમિત શાહે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર પ્રહાર કરતા કહ્યું કે કાલે ચિદમ્બરમે સવાલ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાનથી આતંકવાદીઓ આવ્યા તેનો શું પુરાવો છે, સવાલ પણ ત્યારે પૂછ્યો જ્યારે સંસદમાં ચર્ચા થવાની હતી, તેઓ શું કરવા માંગે છે, પાકિસ્તાનને બચાવીને તેમને શું મળશે. હું આજે તેમને કહેવા માંગુ છું કે અમારી પાસે પુરાવા છે, હું તેને ગૃહ સમક્ષ મૂકવા માંગુ છું, ત્રણેય પાકિસ્તાનના હતા. જે રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ચોકલેટ મળી હતી, તે પણ પાકિસ્તાનમાં બનાવવામાં આવી હતી. જ્યારે તેઓ કહે છે કે આતંકીઓ પાકિસ્તાની નથી તો તેનો અર્થ એ છે કે દેશના પૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાનને ક્લીન ચિટ આપી રહ્યા છે. તે પાકિસ્તાની આતંકવાદી નથી એમ કહીને ચિદમ્બરમે એ પણ સવાલ ઊભો કર્યો છે કે અમે પાકિસ્તાન પર હુમલો શા માટે કર્યો?
આ પણ વાંચો – લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું – ‘22 એપ્રિલથી 17 જૂન વચ્ચે મોદી-ટ્રમ્પ વચ્ચે કોઇ વાતચીત થઇ નથી’
અમિત શાહ વધુમાં કહ્યું કે જે પ્રતિનિધિમંડળ ગયું હતું તેણે પણ સ્વીકારી લીધું હતું કે હુમલો પાકિસ્તાને કર્યો છે. પુરાવા જોઇતા હોત તો મેં આપ્યા હોત. પાકિસ્તાનને બચાવવાના તેમના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, કોઈ છટકી શકશે નહીં. જો કે શાહે એવો પણ આગ્રહ રાખ્યો હતો કે જે લોકો પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું કામ કરી રહ્યા છે તેમને સરકાર પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી.
આ લોકોનું કહેવું છે કે તમારા સમયમાં પણ હુમલા થયા છે. પરંતુ આ લોકો જોઈ શકતા નથી, અમારા કાર્યકાળ દરમિયાન જે પણ હુમલા થયા તે બધા પાકિસ્તાન કેન્દ્રિત હતા અને કાશ્મીર સુધી મર્યાદિત હતા. આખા દેશમાં આવો કોઈ હુમલો થયો નથી. કાશ્મીરમાં એવી સ્થિતિ છે કે પાકિસ્તાનથી આતંકીઓને મોકલવા પડે છે, અહીં કોઈ બચ્યું નથી.
370 હટાવવાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક નષ્ટ થઈ ગયું
અમિત શાહના જણાવ્યા અનુસાર મનમોહન સિંહના કાર્યકાળની તુલનામાં મોદી સરકારના શાસનમાં આતંકી હુમલાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. ગૃહમંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે આંકડાથી કોઈ ભાગી શકે નહીં. શાહના જણાવ્યા અનુસાર કલમ 370 હટાવવાથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક નષ્ટ થઈ ગયું છે.
આ પછી ગૃહમંત્રીએ કહ્યું કે 1971માં આખા દેશે ઈન્દિરાજીને સમર્થન આપ્યું હતું. તેમણે પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા. ભારત માટે આ એક મોટી જીત હતી, સમગ્ર ભારતને તેના પર ગર્વ છે, અમે પણ કરીએ છીએ. તે સમયે 93,000 યુદ્ધબંદી અને 15,000 વર્ગ કિમીનો વિસ્તાર આપણા કબજામાંહતો. પરંતુ જ્યારે શિમલા કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે તેઓ પીઓકે માંગવાનું ભૂલી ગયા હતા. જો તેમણે તે સમયે પીઓકે માગ્યું હોત તો ના રહેત વાંસ કે ન બજતી બાંસુરી. તેઓએ પીઓકે તો ના લીધું પરંતુ તેના બદલે 15 હજાર વર્ગ કિમી ની જીતેલી ભૂમિ પણ પાછી આપી દીધી હતી.