Maharashtra Chief Minister: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? આ સવાલના જવાબની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેનો જવાબ હજુ મહાયુતિ પાસેથી મળ્યો નથી. આ દરમિયાન એનસીપીના વડા અજિત પવારે પૂણેમાં મીડિયા સાથે વાત કરતાં રાજ્યમાં નવી સરકારની રચના અંગે ઘણી બધી માહિતી શેર કરી છે.
એનસીપી પ્રમુખ અજિત પવારે કહ્યું કે દિલ્હીમાં યોજાયેલી મહાયુતિ નેતાઓની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહાયુતિ ભાજપના મુખ્યમંત્રી સાથે મળીને સરકાર બનાવશે અને બાકીની બંને પાર્ટીઓના ઉપમુખ્યમંત્રી રહેશે. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે વિલંબ થયો હોય. જો તમને યાદ હોય તો 1999માં સરકાર બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.
ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી
મહાયુતિ, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ થાય છે. જેણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી હતી. ભાજપ બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે શિવસેના અને એનસીપીએ અનુક્રમે 57 અને 41 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો – એકનાથ શિંદે અચાનક પોતાના ગામ ચાલ્યા ગયા, શું સીએમ પદને લઇને નારાજ છે?
રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે એવા સવાલના જવાબમાં પવારે કહ્યું હતું કે રાજ્યમાં ભાજપમાંથી એક મુખ્યમંત્રી અને મહાયુતિના અન્ય બે પક્ષોના બે નાયબ મુખ્યમંત્રીઓ હશે. સંભવિત રુપથી શપથ ગ્રહણ સમારંભ 5 ડિસેમ્બરે થશે. અમે મજબૂત દ્રષ્ટિ સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.
5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી રહેશે હાજર
મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહાયુતિને મહારાષ્ટ્રમાં ઐતિહાસિક જીત મળી છે. મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદીની હાજરીમાં 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.