Modi Government Hike Kharif Crop MSP: કેન્દ્ર સરકારે ખરીફ ટેકાના ભાવ વધારીને કરોડો ખેડૂતોને ભેટ આપી છે. કેન્દ્ર સરકારી ખરીફ પાક સીઝન 2025 માટે 14 ખરીફ કૃષિ પાકોના ખેડૂતોના લઘુતમ ટેકાના ભાવમાં 70 થી 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કર્યો છે. ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે MSP વધવાથી ખેડૂતોની આવક વધવાની ધારણા છે. આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખરીફ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
ખરીફ પાકની MSP વધી
કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને ભેટ આપી છે. સરકારે ખરીફ પાક માટે રૂ. ૨.૦૭ લાખ કરોડના એમએસપીને મંજૂરી આપી છે. વર્ષ 2025-26ની ખરીફ સિઝન માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપવામાં આવી છે. તેનાથી જુવાર, બાજરી, ડાંગર, મકાઈ, રાગી, કઠોળ, કપાસ જેવા 14 પાકના ખેડૂતોને ફાયદો થશે.
MSP શું છે?
એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને ગુજરાતીમાં લઘુત્તમ ટેકાના ભાવ કહેવાય છે. એમએસપી એ ભાવ છે જે કિંમતે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. MSP લાગુ હોવાથી કૃષિ બજારોમાં પાકની કિંમતમાં વધઘટને કારણે ખેડૂતોને નુકસાન થતું નથી. જો બજારમાં ભાવ ઘટે તો. ત્યારે પણ સરકાર એમએસપી પર પાક ખરીદશે.
ક્યા ખરીફ પાકની MSP કેટલી વધી?
ખરીફ પાક પાક વર્ષ 2024 (₹) પાક વર્ષ 2025 (₹) વધારો (₹) ડાંગર 2300 2369 69 ડાંગર(A ગ્રેડ) 2320 2389 69 જુવાર (હાઇબ્રિડ) 3371 3699 328 જુવાર (માલદંડી) 3421 3749 328 બાજરી 2625 2775 150 રાગી 4290 4886 596 મકાઇ 2225 2400 175 તુવેર 7550 8000 450 મગ 8682 8768 86 અડદ 7400 7800 400 મગફળી 6783 7263 480 સનફ્લાવર (પીળા) 4892 5328 436 સનફ્લાવર સીડ 7280 7721 441 સફેદ તલ 9267 9846 579 કાળા તલ 8717 9537 820 કપાસ 7121 7710 589 કપાસ (લોંગ સ્ટેપલ) 7521 8110 589
સરકાર MSP હેઠળ 2.07 લાખ કરોડ ખર્ચ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારનો નિયમ છે કે એમએસપી પાકની કિંમતથી ઓછામાં ઓછી 50 ટકા વધારે હોવી જોઈએ. તાજેતરમાં 14 ખરીફ કૃષિ પાકોના ટેકાના ભાવમાં વૃદ્ધિ કરાયા બાદ સરકાર MSP પર કૃષિ પાકોની ખરીદી માટે કુલ 2.07 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ખરીફ પાક કયા છે?
ચોમાસા દરમિયાન ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે એટલે કે આ પાકોનું વાવેતર જૂન-જુલાઇ માસમાં કરવામાં આવે છે અને આ પાકની લણણી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં કરવામાં આવે છે. ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, સોયાબીન, મગફળી, કપાસ, અડદ, મગ, અરહર, શેરડી, શણ વગેરેનો સમાવેશ થાય છે.