Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણીની હવે થોડીક જ વાર છે પણ વિપક્ષી પાર્ટીઓનું ઇન્ડિયા ગઠબંધન વેરવિખેર જોવા મળી રહ્યું છે. એક તરફ જ્યાં છૂટોછવાયો વિપક્ષ છે ત્યાં જ બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2024 માટે ચૂંટણીનો ટાર્ગેટ વધારી દીધો છે. પીએમ મોદીએ સંસદ સત્ર દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ વખતે ભાજપ પોતાના દમ પર 370 સીટો લાવશે અને એનડીએ 400 સીટોને પાર કરશે. હવે આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ખાસ યોજના તૈયાર કરી છે જેમાં પાર્ટી ગત વખત કરતા અમુક સીટો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.
ભાજપનું લક્ષ્ય 370 સીટો જીતવાનું છે અને આ માટે પાર્ટી એ 161 સીટો પર વધુ ફોકસ કરી રહી છે જે ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટી હારી હતી. 2019માં પાર્ટીએ 303 બેઠકો મેળવી હતી અને તેને હજી પણ 370 માટે 67 બેઠકોની જરૂર છે. તેમણે કહ્યું કે આ બેઠકો પર મંત્રીઓનો પ્રવાસ થશે અને મતવિસ્તારોમાં પાર્ટીના વિસ્તરણને વેગ મળશે. આ માટે તેમણે આગામી 100 દિવસમાં કાર્યકર્તાઓ માટે આઉટરીચ પ્લાન પણ તૈયાર કર્યો છે.
નડ્ડાએ બૂથ સ્તર પર કાર્યકર્તાઓને એક વિશેષ સંદેશ પ્રસારિત કરવાનો નિર્દેશ આપ્યો છે. જેના કેન્દ્રમાં ગામ, ગરીબ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ છે. નડ્ડાએ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સત્તા સંભાળી છે, ત્યારથી ભાજપનો આધાર ઘણો વધી ગયો છે. પાર્ટીના 11,500 પ્રતિનિધિઓને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યું કે મોદી સરકાર આ વખતે હેટ્રિક નોંધાવશે. તેમણે કહ્યું કે 2019થી અત્યાર સુધી પાર્ટીએ 26માંથી 16 ચૂંટણી જીતી છે અને આ પીએમ મોદીનો ચહેરો અને તેમની ગેરંટીની અસર છે. નડ્ડાએ કહ્યું કે પીએમ મોદીએ લોકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – હવે પછીના 100 દિવસ નવી ઊર્જા, નવા ઉમંગ, નવા આત્મવિશ્વાસ સાથે કામ કરવાનું છે
લોકસભા ચૂંટણી : ભાજપને બંગાળમાંથી છે મોટી આશા
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 સીટો જીતીને સારુ પ્રદર્શન કર્યુ હતું. નડ્ડાએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે પણ બંગાળમાં ભાજપ પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંગાળ ઉપરાંત તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પણ ભાજપ ગત વખત કરતા સારો દેખાવ કરશે. ભાજપ આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધન કરવાના અંતિમ તબક્કામાં છે, જે દક્ષિણમાં તેના વિસ્તરણને મજબૂત બનાવવામાં નિર્ણાયક સાબિત થશે.
બંગાળમાં આગામી ચૂંટણી જીતીશું – જેપી નડ્ડા
આ સિવાય હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી 2024 પહેલા દેશમાં સીએએ લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ભાજપને આશા છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં તેને ગત વખત કરતા વધુ બેઠકો મળી શકે છે કારણ કે તે સીએએ દ્વારા મતુઆ સમુદાયને પોતાના પક્ષમાં કરવામાં વ્યસ્ત છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 2016માં ભાજપ 10% મતો અને ત્રણ બેઠકો સાથે પશ્ચિમ બંગાળમાં નીચેના સાથે હતું. આજે તે વધીને 38.5 ટકા મત અને 77 બેઠકો (2021માં) થઈ ગઈ છે. અમે આગામી વખતે પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવીશું.
આ ઉપરાંત ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ યુપીમાં 2014ના પ્રદર્શનથી ઘણું પાછળ હતું. 2014માં ભાજપને યુપીમાંથી 71 બેઠકો મળી હતી, જ્યારે 2019માં તે ઘટીને 62 થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ભાજપનું નિશાન યુપી પણ છે. પાર્ટીને આશા છે કે આ વખતે રામ લહેરમાં પાર્ટી યુપીમાં 2014ના પ્રદર્શનને પણ પાછળ છોડી શકે છે. એટલા માટે યુપીમાં ગત વખતે ગુમાવેલી સીટો પર ખાસ તાકાત લગાવવામાં આવી રહી છે.