Kerala Former CM V.S. Achuthanandan Death: કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા વી.એસ. અચ્યુતાનંદનનું નિધર થયું છે. તેમણે 101 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા. વી.એસ. અચ્યુતાનંદનનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. અચ્યુતાનંદનને એક પ્રભાવશાળી નેતા માનવામાં આવતા હતા. તેમની રાજકીય કારકિર્દી લગભગ આઠ દાયકા સુધી ચાલી હતી. અચ્યુતાનંદન ડાબેરી પક્ષના અગ્રણી નેતા હતા અને તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો.
અચ્યુતાનંદનનો જન્મ 20 ઓક્ટોબર, 1923ના રોજ અલાપ્પુઝાના એક ગરીબ પરિવારમાં થયો હતો અને બાળપણમાં જ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. પોતાનું ગુજરાન ચલાવવા માટે અચ્યુતાનંદને દરજીની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં એક ફેક્ટરીમાં કામ કર્યું. આ પછી, અચ્યુતાનંદન ડાબેરી ચળવળથી એટલા પ્રભાવિત થયા કે તેઓ તેમાં જોડાયા હતા. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 32 નેતાઓએ કરી હતી અને તેમાં વી એસ અચ્યુતાનંદનનું નામ સામેલ હતું.
વીએસ અચ્યુતાનંદન 5 વર્ષ કેરળના મુખ્યમંત્રી પદે રહ્યા
વી.એસ. અચ્યુતાનંદન 2006થી 2011 સુધી કેરળના મુખ્યમંત્રી રહ્યા હતા. 82 વર્ષની ઉંમરે, તેઓ આ પદ સંભાળનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. અચ્યુતાનંદને 2016 થી 2021 દરમિયાન કેરળમાં વહીવટી સુધારણાના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ રેન્ક સાથે સેવા આપી હતી. અચ્યુતાનંદન 15 વર્ષ સુધી વિપક્ષના નેતા પણ રહ્યા હતા. તેઓ 15 વર્ષ સુધી વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપનારા કેરળના પ્રથમ નેતા બન્યા હતા. અચ્યુતાનંદન 1985 થી જુલાઇ 2009 સુધી સીપીઆઇ(એમ) પોલિટ બ્યુરોના સભ્ય હતા.
વી.એસ અચ્યુતાનંદની રાજકીય સફર
વીએસ અચ્યુતાનંદને મુન્નારમાં ગેરકાયદેસર રીતે કબજે કરેલી એકર જમીન પર ફરીથી કબજો કરવા માટે અતિક્રમણ વિરોધી ઝુંબેશ સહિત અનેક હોદ્દાઓ પર મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. અચ્યુતાનંદન રાજ્યમાં લોટરી માફિયાઓ સામે પણ લડી ચૂક્યા છે. તેમણે ભૂતપૂર્વ પ્રધાન આર.બાલકૃષ્ણ પિલ્લઇને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન અચ્યુતાનંદને રાજ્યમાં મફત સોફ્ટવેરને પ્રોત્સાહન આપવામાં અને રાજ્યની જાહેર શિક્ષણ પ્રણાલીમાં મફત સોફ્ટવેર અપનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અચ્યુતાનંદને ટ્રેડ યુનિયનની પ્રવૃત્તિઓ દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને 1938 માં કોંગ્રેસમાં જોડાયા. 1940માં તેઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ)ના સભ્ય બન્યા. એક રાજકારણી તરીકેના તેમના 40 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન તેમને પાંચ વર્ષ અને છ મહિનાની કેદ કરવામાં આવી હતી અને સાડા ચાર વર્ષ સુધી તેઓ છુપાયેલા રહ્યા હતા. તેઓ 1957માં સીપીઆઈના રાજ્ય સચિવાલયના સભ્ય હતા. 1964માં સીપીઆઇ નેશનલ કાઉન્સિલ છોડીને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ની રચના કરનારા 32 સભ્યોમાં અચ્યુતાનંદન એકમાત્ર જીવિત હતા. અચ્યુતાનંદન 1980 થી 1992 દરમિયાન કેરળ રાજ્ય સમિતિના સચિવ હતા.