Encounter In Kulgam: જમ્મુ કાશ્મીરના કુલગામમાં એક મોટું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, સેનાએ મોડી રાતથી આતંકીઓને ઘેરી લીધા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશનમાં એક આતંકી પણ માર્યો ગયો છે, માનવામાં આવી રહ્યું છે કે ત્યાં વધુ બેથી ત્રણ આતંકવાદીઓ હોઇ શકે છે. આર્મીના ચિનાર કોર્પ્સે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.
સેનાએ શું માહિતી આપી?
એક નિવેદનમાં ચિનાર કોપ્સે કહ્યું છે કે સેનાને દક્ષિણ કાશ્મીરના જંગલમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા હતા. આ જ ઈનપુટના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ની ટીમોએ સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું, આતંકીઓને ઘટના સ્થળે જ ઘેરી લેવામાં આવ્યા. પરંતુ ત્યારબાદ આતંકવાદીઓ તરફથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થઈ ગયો. ત્યાર બાદ સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપતા ગોળીબાર કર્યો હતો અને આ જ ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો.
ઘણા આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી
સેનાને પણ લાગે છે કે આ વિસ્તારમાં લશ્કરના કેટલાક ટોચના આતંકવાદઓ છુપાયા હોઇ શકે છે, જેના કારણે હજુ સુધી ઓપરેશન બંધ કરવામાં આવ્યું નથી અને શોધખોળ પણ ચાલી રહી છે. મોટી વાત એ છે કે ઘટનાસ્થળ પર વધારાની ફોર્સ પણ મોકલવામાં આવી રહી છે, એટલું કહેવું પૂરતું છે કે ઓપરેશન મોટું છે અને આતંકીઓ પણ પૂરી તૈયારી સાથે ત્યાં છૂપાયેલા છે. સેનાના જણાવ્યા મુજબ આતંકીઓ વચ્ચે-વચ્ચે ફાયરિંગ કરી રહ્યા છે.
ઓપરેશન મહાદેવ
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. પહેલગામ આતંકવાદી હુમલાના દોષિતોને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઓપરેશન મહાદેવ દ્વારા ત્રણ આતંકીઓને ઠાર મરાયા, ખુદ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આ જાણકારી આપી હતી. ઓપરેશન મહાદેવ વિશે માહિતી આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 22 એપ્રિલના રોજ આઈબી પાસે હ્યુમન ઇન્ટેલ આવી હતી. દાછીગામ વિસ્તારની અંદર આતંકીઓની હાજરીની જાણકારી મળી હતી. આ માહિતીની પુષ્ટિ કરવા માટે એપ્રિલથી 22 જુલાઈ સુધી સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આર્મીના જવાનો ઊંચાઈ પર સિગ્નલ મેળવવા માટે ફરતા હતા. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસ જવાનોએ આતંકીઓને ઘેરવાનું કામ કર્યું હતું.
શાહે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાએ મળીને આ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકવાદીઓ પાસેથી ત્રણ રાઈફલ મળી આવી હતી. ત્રણેય આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે.