Jammu and Kashmir Cloudburst: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટ્યા બાદ ભારે પૂર આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ચશોટી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે મોટા પાયે જાન માલને નુકસાન થઇ શકે છે. અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે અને 100 જેટલા ઘાયલ થયા છે. આ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે, રેસ્ક્યૂ ટીમને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ આ મામલે કિશ્તવાડના ડીસી પંકજ કુમાર શર્મા સાથે વાત કરી છે. તેમણે આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિપક્ષના નેતા સુનિલ કુમાર શર્મા સાથે પણ વાત કરી હતી.
જમ્મુ કાશ્મીરમાં વિપક્ષના નેતા અને પદ્દર નાગસેનીના ધારાસભ્ય સુનિલ કુમાર શર્માએ કહ્યું, “અમારી પાસે હજી સુધી કોઈ સંખ્યા અથવા આંકડા નથી પરંતુ મોટા નુકસાનની આશંકા છે. યાત્રા ચાલુ હોવાથી, તે વિસ્તારમાં લોકોની ભીડ હતી. હું લેફ્ટનન્ટ ગવર્નર સાથે વાત કરીશ અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમની માગણી કરીશ. ”
ઉત્તરાખંડના ધરાલીમાં તબાહી
એક સપ્તાહ પહેલા ઉત્તરાખંડના ધારાલીમાં આવેલા ભયંકર પૂર બાદ ભારે તબાહી મચી ગઈ છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. ઘણા મકાનો, હોટલો અને મકાનો નાશ પામ્યા છે અને અધિકારીઓ છેલ્લા ઘણા દિવસોથી ગુમ થયેલા લોકોની શોધમાં બચાવ કામગીરી હાથ ધરી રહ્યા છે. ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે.
હિમાચલ પ્રદેશમાં પણ ઘણી જગ્યાએ વાદળ ફાટ્યું
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે શિમલાના કોટકાઈ અને કિન્નૌરના પૂહમાં ભારે પૂર આવ્યું છે. ભારે વરસાદને કારણે શિમલા, કુલ્લુ, સોલન અને સિરમૌર જિલ્લામાં પણ ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલ છે. આ કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઉના, કુલ્લુ, શિમલા અને મંડીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ બિલ 2025 સંસદમાં પસાર, કરદાતા અને વેપારીઓને શું અસર થશે? જાણો મુખ્ય મુદ્દા અને ફેરફારો
હવામાન વિભાગે ચંબા, કાંગડા અને મંડી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.





