Independence Day 2025 PM Modi Speech Key Points : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જે સુરક્ષા, અર્થવ્યવસ્થા, આત્મનિર્ભરતા, ટેક્નોલોજી પ્રગતિ અને યુવાનોના સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર દેશની દિશા અને સ્થિતિ નક્કી કરશે. આવો જાણીએ પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણની 10 મહત્વની વાતો.
(1) ઓપરેશન સિંદૂરના બહાદુર જવાનોને સલામ – પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરના સૈનિકોની બહાદુરીને સલામ કરતા કહ્યું કે તેમણે આતંકવાદીઓને તેમની કલ્પના બહાર સજા આપી.
(2) પરમાણુ ધમકીઓ પર કડક વલણ – પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત હવે પરમાણુ ધમકીઓને સહન નહીં કરે અને આતંકવાદીઓ અને તેમના સમર્થકોને તેમની ભાષામાં જવાબ આપશે.
(3) વિકસિત ભારતનો સંકલ્પ @ 2047 – તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સંકલ્પને પુનરાવર્તિત કર્યો અને તેમાં યોગદાન આપવા માટે તમામ દેશવાસીઓને અપીલ કરી.
(4) આત્મનિર્ભર ભારત અને ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર – પીએમે કહ્યું કે વિદેશી નિર્ભરતા, ખાસ કરીને અમેરિકાના ટેરિફ જેવા ખતરાઓ વિનાશકારી સાબિત થઈ શકે છે. આથી ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘દમ જ્યાદા, દામ કમ’ના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
(5) મેડ ઇન ઇન્ડિયા જેટ, સેમીકન્ડક્ટર મિશન અને સ્પેસ સ્ટેશન – પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાના જેટ એન્જિન, સેમીકન્ડક્ટર મિશન અને ફાઇટર એરક્રાફ્ટ માટે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે. આ માટે ‘નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ’ની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
(6) વિકસિત ભારત રોજગાર યોજના – તેમણે ‘પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજના’ની શરૂઆત કરી હતી, જે અંતર્ગત પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને 15,000 રૂપિયા અને કંપનીઓને વધુ નોકરીઓ આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. વિકસીત ભારત રોજગાર યોજના વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો
(7) જીએસટીમાં સુધારા – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારણાની જાહેરાત કરી છે, જેને તેમણે લોકો માટે દિવાળીની ભેટ ગણાવી, જેનાથી કરબોજ ઘટશે.
(8) કોવિડ અને આતંક સામે લડવામાં આત્મનિર્ભરતાનું મહત્વ – તેમણે કહ્યું કે આત્મનિર્ભરતા એ ભારતને મહામારી અને સુરક્ષા પડકારો સામે લડવા માટે સક્ષમ બનાવ્યું.
(9) શાંતિ, પરંતુ સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં – પોતાના ભાષણમાં પીએમ મોદીએ સંદેશ આપ્યો હતો કે ભારત શાંતિપ્રિય છે, પરંતુ તેની સાર્વભૌમત્વની રક્ષામાં કોઈ બાંધછોડ નહીં કરે.
(10) રમત અને કૃષિ ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ – તેમણે ‘ખેલો ઇન્ડિયા પોલિસી’ દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે, ભારત 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ પેદાશોની નિકાસની સાથે સાથે ઘઉં, ચોખા, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે છે.
આ ઉપરાંત 79માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ બીજા ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી. સ્થૂળતાને દેશ માટે મોટો પડકાર ગણાવતાં તેમણે ચેતવણી આપી હતી કે, આગામી વર્ષોમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ તેનાથી પ્રભાવિત થઇ શકે છે, તેથી દરેક પરિવારે સાવધાન રહેવું જોઇએ.
આ પણ વાંચો | ‘સિંધુ જળ સંધિ અન્યાયી અને એકતરફી છે, અમે તેને સ્વીકારતા નથી…, પીએમ મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે અને તેમના માટે દિવાલ બનીને ઉભું રહેશે. તેમણે પ્રયાગરાજ મહાકુંભના સફળ આયોજનને ભારતની જીવંતતા અને એકતાનો પુરાવો ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે, વર્ષ 2035 સુધીમાં તમામ જાહેર સ્થળોને રાષ્ટ્રીય સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે.