જતીન આનંદ : ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ (જેઓ રાજ્યસભામાં તેમની ત્રીજી મુદતમાં છે) ને સંદેશો આપ્યો છે કે સંસદમાં પોતાનું સ્થાન મેળવવા માટે તેમણે લોકસભાની ચૂંટણી લડવી પડશે. જેમાં એવા નેતાઓનો પણ સમાવેશ થાય છે, જેઓ હાલ કેબિનેટ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકની પસંદગી સાંસદો પર છોડી દેવામાં આવી છે.
પાર્ટીના એક સૂત્રએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વની અધ્યક્ષતામાં યોજાયેલી સંગઠનાત્મક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે એક કે બે અપવાદો સાથે બધા માટે હશે.
સૂત્રએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીનું ઉદાહરણ આપ્યું હતું. જેમાં ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચાર કેન્દ્રીય પ્રધાનો સહિત 18 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. તેનાં ઘણાં સારાં પરિણામો મળ્યાં હતા. ઓછામાં ઓછા એક વર્તમાન કેન્દ્રીય મંત્રી સહિત પાર્ટીના ઓછામાં ઓછા બે દિગ્ગજોને દિલ્હીથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના છે.
જે કેન્દ્રીય મંત્રીઓ રાજ્યસભાના સાંસદ છે તેમાં રાજીવ ચંદ્રશેખર, પીયૂષ ગોયલ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, આવાસ અને શહેરી મામલાના મંત્રી હરદીપ સિંહ પુરી, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન નારાયણ રાણે પણ ઉપસ્થિત રહ્યા છે.
આ પણ વાંચો – રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે ગૃહ સહિત 8 મંત્રાલયો, ડેપ્યુટી સીએમ દિયા કુમારીને નાણા સહિત 6 મંત્રાલયો મળ્યા
કર્ણાટકના રાજીવ ચંદ્રશેખર અને નિર્મલા સીતારમણ ઉપરાંત મહારાષ્ટ્રના પીયૂષ ગોયલ અને ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા ભાજપના એ નવ નેતાઓમાં સામેલ છે, જેઓ હાલ ત્રીજી રાજ્યસભાની ટર્મમાં છે. આ યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરનો પણ સમાવેશ થાય છે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા હિમાચલ પ્રદેશના રાજ્યસભાના સભ્ય પણ છે.
તાજેતરમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જે સાંસદોને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ જીતી વિધાનસભામાં પહોંચ્યા હતા, તેમને પણ સાંસદપદેથી રાજીનામું આપી દેવાયું હતું. તે તમામ નેતાઓ હવે રાજ્ય સરકારમાં ધારાસભ્યો અથવા કેબિનેટ મંત્રી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોર્મ્યુલાના આધારે ભાજપ લોકસભાની ચૂંટણીમાં પણ જશે.