Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ફરી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. ગુરુવારને 28 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ વરસ્યો છે.
94 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 28 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 23 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ઉમરપાડામાં 7.48 ઇંચ, કાંવટમાં 3.15 ઇંચ, દેવગઢબારિયામાં 2.95 ઇંચ, જેતપુરમાં 2.91 ઇંચ, વ્યારામાં 2.68 ઇંચ, ઇડરમાં 2.56 ઇંચ, ગોધરામાં 2.20 ઇંચ, છોટા ઉદેપુર, મોરવા હડફમાં 2.05 ઇંચ અને નેત્રંગમાં 2.01 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 84 તાલુકામાં 1 થી લઇને 48 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 29 ઓગસ્ટને શુક્રવારે મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં ક્યાંય પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
હાલમાં ઓડિશાના કિનારા નજીક બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી લો પ્રેશર એરિયા સર્જાયો છે. સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. આગામી ચોવીસ કલાકમાં તે ઓડિશા તરફ જશે તેવું હવામાન વિભાગ જણાવે છે.
આ પણ વાંચો – અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે પ્રબળ દાવેદાર, જાણો શું છે ઇતિહાસ અને કેવું છે ભારતનું પ્રદર્શન
રાજ્યમાં સિઝનનો કુલ 85.73 ટકા વરસાદ
28 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 85.273 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 89.16 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 81.03 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 28 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 308611 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 92.38% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 441712 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 79.18% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 77 છે. 101 ડેમ હાઇ એલર્ટ પર અને 29 ડેમ એલર્ટ પર છે.