Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે 27 ઓગસ્ટને ગણેશ ચતુર્થીના દિવસે સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપીના વ્યારામાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે.
એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 27 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ફક્ત એક જ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં વ્યારામાં 31 મીમી, કપરાડામાં 24 મીમી, ડાંગ-આહવા, વાંસદામાં 11 મીમી, ધરમપુર, કુકરમુંડામાં 9 મીમી, વઘઇ, વાપી, સોનગઢમાં 7 મીમી અને પારડીમાં 6 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 18 તાલુકામાં 1 થી લઇને 5 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 28મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. ગુરૂવારને 28મી ઓગસ્ટે મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલ્લો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
આ પણ વાંચો – સ્વદેશી પર પીએમ મોદીએ કહ્યું – ડોલર હોય કે પાઉન્ડ, પરસેવો મારા દેશવાસીઓનો હોવો જોઈએ
રાજ્યમાં સિઝનનો કુલ 85.25 ટકા વરસાદ
27 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 85.25 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.80 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.21 ટકા, સૌરાષ્ટ્રમાં 83.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.46 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 26 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 300619 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 89.88% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 441707 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 79.17% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 70 છે. 95 ડેમ હાઇ એલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.