Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સોમવારને 25 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 2. 83 ઇંચ વરસાદ વરસ્યો છે.
20 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં સોમવારને 25 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 143 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ખેરગામમાં 2.83 ઇંચ, વિજયનગર 2.24 ઇંચ, બાલાસિનોર 2.13 ઇંચ, સોનગઢ 2.05 ઇંચ, વલસાડ 1.97 ઇંચ, કપડવંડ, ઉમરપાડા 1.93 ઇંચ, ડાંગ-આહવા, વઘઇ 1.73 ઇંચ, દાંતા 1.65 ઇંચ, વાંસદા 1.57 ઇંચ, અંકલેશ્વર 1.54 ઇંચ, વડાલીમાં 1.50 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 130 તાલુકામાં 1 થી લઇને 37 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 ઓગસ્ટને મંગળવારના રોજ ભાવનગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને અહીં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં યલ્લો એલર્ટ છે અને આ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં PM મોદીએ ઓપરેશન સિંદૂરને લઈ કહ્યું, ’22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું’
રાજ્યમાં સિઝનનો કુલ 84.06 ટકા વરસાદ
25 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 84.06 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 85.08 ટકા, ઉત્તર ગુજરાતમાં 87.43 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 79.08 ટકા, સૌરાષ્ટ્રમાં 83.51 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.41 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 25 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 284854 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 85.27% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 437932 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 78.50% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 70 છે. 96 ડેમ હાઇ એલર્ટ પર અને 26 ડેમ એલર્ટ પર છે.