Rajya Sabha Election 2024 : ભાજપે રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડા, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને આ વખતે ઉમેદવાર બનાવ્યા નથી.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભામાં જશે
આ પહેલા ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશ અને ઓડિશાના વધુ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ ઉમેદવારોમાં ચાર નામ મધ્ય પ્રદેશ અને એક ઓડિશાથી છે. ઓડિશાથી પાર્ટીએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મુરુગનને એમપીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી ઉમેશનાથ મહારાજ, માયા નરોલિયા અને બંશીલાલ ગુર્જરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી, રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓ હાજર
27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો પર મતદાન થવાનું છે. આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ શ્રેણીમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાંથી આજે સાત ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. જેમાં આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈનનો સમાવેશ થાય છે. તે જ સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો – રાજ્યસભા ચૂંટણી : ભાજપે MP અને ઓડિશાના ઉમેદાવોરની યાદી જાહેર કરી, અહીં જાણો લીસ્ટ
આગામી થોડા અઠવાડિયામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ વિપક્ષી પાર્ટીઓએ લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારનો મુકાબલો કરવા માટે ભાગીદારી અને ગઠબંધનના પ્રયાસો તેજ કર્યા છે.