Rajkot city bus accident, રાજકોટ અકસ્માત : રાજ્યમાં છાસવારે અકસ્માતો થતાં હોય છે. ત્યારે રાજકોટમાં મોટો અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માતની વણઝાર સર્જી હોવાની ઘટના સામે આવી છે. સિટી બસ ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારતા છ લોકો સિટી બસની અડફેટે ચડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ઘનાના પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બની ઘટના
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ સિટી બસ દોડાવતા ચાલકે એક પછી એક અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ટક્કરમાં છ લોકો બસની અડફેટે ચડ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા અને રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ સિટી બસના કાચ તોડી દીધા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.
સિગ્નલ પર વાહન ચાલકો ઊભા હતા
ઘટના અંગે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે સિગ્નલ પર વાહન ચાલકો ઊભા હતા. આ સમયે બેફામ ગતિએ સિટી બસ આવે છે અને સિગ્નલ પર ઊભેલા વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જો હતો. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક લોકોનું શું કહેવું છે.
ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે સિટી બસે 7થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રાજકોટમાં સિટી બસ ચાલકો દ્વારા અકસ્માતો કરવાનું નવું નથી. બેફામ ગતિએ સિટી બસો હંકારીને અકસ્માતો સર્જી રહ્યા છે.
અમદાવાદમાં ટેક્સી ચાલકે 6થી વધુ વાહનોને અડફેટે લીધા, ચાલકનું મોત
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ટેક્સી ચાલકે સાતથી આઠ વાહનોને અડફેટે લેવાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે મંગળવારે રાતે વાસણા રોડથી લઈને જુહાપુરા સુધીમાં ટેક્સી પાસિંગ ધરાવતી કારચાલકના ડ્રાઈવર કૌશિક ચૌહાણે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતા.
ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને માર મારતા મોત થયું હતું. બીજી તરફ લોકોનો દાવો છે કે અકસ્માત દરમિયાન જ કાર ચાલકનું મોત નીપજ્યું હતું.