Gujarat Weather Forecast: ગુજરાતમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. થરાદમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યાં જ બસ બંધ પડી જતા તેને લોકોએ ધક્કો મારવાની ફરજ પડી હતી.
ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી
હવામાન વિભાગ (IMD) એ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યાં ખૂબ જ ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તોફાનની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
રસ્તાઓ બેટમાં ફેરવાયા
પાણી ભરાઈ જવાને કારણે અમદાવાદ એરપોર્ટ પહોંચવામાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડાના માતરમાં 116 મીમી, પંચમહાલના કલોલમાં 93 મીમી અને સુરેન્દ્રનગરના ચૂડામાં 90 મીમી વરસાદ નોંધાયો હતો. મહેમદાવાદ, ધંધુકા, લાલપુર, માણસા, ઓલપાડ, ખેડા, વાલોદ, કલ્યાણપુર, વધઈ અને વ્યારા જેવા અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
મહેસાણામાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, ત્યાં જ મહેસાણામાં મહાનગરપાલિકાનું ગોપીનાળુ ધોધમાર વરસાદ બાદ પાણીથી ભરાઈ ગયું છે. જેના પગલે લોકો માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો
આ સ્થિતિમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવું પડ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી પડી છે. ગુજરાતમાં આ વરસાદથી એક તરફ ખેડૂતોને રાહત મળી છે તો બીજી તરફ પાયાની સુવિધાઓ અને જનજીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.