North Gujarat today heavy rain : ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે ત્યારે આજે મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે બંને જિલ્લાઓમાં આજે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. ખસા કરીને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘાએ ધબધબાટી બોલાવી છે. ધાનેરામાં ચાર કલાકમાં 4.29 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ધાનેરા, વડગામ, દાંતિવાડામાં ભારે વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 3 જુલાઈ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં 4.29 ઈંચ, વડગામમાં 2.28 ઈંચ, દાંતિવાડામાં 2.24 ઈંચ, ડીસામાં 2.05 ઈંચ અમીરગઠમાં 1.89 ઈંચ વરસાદ પડ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ચાર કલાકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. આમ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં ગત 24 કલાકમાં 162 તાલુકાઓમાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ- અરવિંદ કેજરીવારના ભાજપ પર તીખા પ્રહાર, ‘ભ્રષ્ટાચારને કારણે સુરતમાં પૂર આવ્યું’
ગુજરાતમાં અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
વધુમાં, રાજ્યના 10 તાલુકામાં બે ઈંચથી વધુ, 13 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 124 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. 03 જુલાઇ, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.