ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ચેતન રાવલે અચાનક રાજીનામું આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. રાવલે પોતાના રાજીનામામાં વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ વાસ્તવિક કારણો અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં પાર્ટીના વડા ઇશુદાન ગઢવીને મોકલવામાં આવેલા રાજીનામામાં રાવલે કહ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર તાત્કાલિક અસરથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચેતન રાવલે ભૂતપૂર્વ ટીવી અભિનેતા અને ગુજરાતના અમદાવાદમાં એક અગ્રણી રાજકીય વ્યક્તિત્વ છે.
વર્ષ 2022માં તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને AAP માં જોડાયા હતા. તેઓ અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ મહાસચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ અસારવા અને ખાડિયા બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. નોંધનીય છે કે રાવલના પિતા પ્રબોધ રાવલ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે અને ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: ભૂજમાં ‘ગ્રીષ્માવાળી’! પ્રેમીએ 22 વર્ષીય કોલેજીયન યુવતીના ગળે છરી મારી હત્યા
પિતાના પગલે ચાલીને તેઓ કોંગ્રેસમાં સક્રિય થયા અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા. બાદમાં પોતાને સાઇડલાઈન ગણાવતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે ત્રણ વર્ષ પછી તેમણે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી છોડી દીધી છે. રાવલે તેમનું આગળનું પગલું શું હશે તે જાહેર કર્યું નથી.