ગુજરાતે ફરી એકવાર સાબિત કર્યું છે કે નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનું મિશ્રણ કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં ફેરવી શકે છે. આ સાથે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે નાણાકીય વર્ષ 2024-25 માટે 3.05 લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવાનો લક્ષ્યાંક સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધો છે.
રાજ્ય સરકારી સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 11 મે, 2025 સુધીમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવ્યા છે અને જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
11 મે 2025 સુધીમાં ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવામાં આવ્યા
- ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર તરફથી 2362 કરોડ રૂપિયાની સબસિડી મળી
- ગુજરાતમાં 3.36 લાખ સોલાર રૂફટોપ પેનલ લગાવવાથી 1232 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન થઈ
- આ ઉર્જા ઉત્પાદનને કારણે 1284 મેટ્રિક ટન કોલસાની બચત થઈ અને 1504 મેટ્રિક ટન CO₂ ઉત્સર્જન ઘટ્યું
આ યોજનાના ઉત્તમ અમલીકરણને કારણે આજે એકલું ગુજરાત દેશમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં 34% યોગદાન આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ, ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા 2362 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે.
આ યોજનાની સફળતામાં દેશના ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો પહેલા નંબરે ગુજરાત બાદ, મહારાષ્ટ્ર 1.89 લાખ સોલાર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે, ઉત્તર પ્રદેશ 1.22 લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, મધ્યપ્રદેશ ફક્ત 95 હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન 43 હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે.
1284 મેટ્રિક ટન કોલસો બચાવ્યો
GUVNL ના ડેટા અનુસાર, ગુજરાતમાં ‘PM સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ સ્થાપિત 3.36 લાખ સોલાર રૂફટોપ સિસ્ટમ્સમાંથી 1232 મેગાવોટથી વધુ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવી છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનના 1834 મિલિયન યુનિટ જેટલી છે. જો કોલસા આધારિત પ્લાન્ટમાંથી એટલી જ ઊર્જા ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ 1284 મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત. આ બચતને કારણે પર્યાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ ટાળવામાં આવ્યું છે.
PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2024 માં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે, 3 kW સુધીના પેનલ પર રૂ.78 હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે, આ સાથે છત ધરાવતા ઘર માલિક આ યોજના માટે પાત્ર છે. આ અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે ઓનલાઈન છે, https://pmsuryaghar.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકાય છે.
વહીવટી સક્રિયતા અને જનભાગીદારીની મદદથી ગુજરાત શ્રેષ્ઠ બન્યું
ગુજરાતમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની અભૂતપૂર્વ સફળતા પાછળ વહીવટની દૂરંદેશી કામગીરીએ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી નથી, પરંતુ અહીંના જાગૃત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. ત્યારબાદ રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના ફાયદાઓથી વાકેફ કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો પણ પ્રયાસ કર્યો. આ સંકલિત અને સમર્પિત પ્રયાસો આજે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ગુજરાતને દેશ માટે એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.