Banaskantha Accident : બનાસકાંઠાના થરાદ નજીક દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ગોઝારી દુર્ઘટનામાં સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ બાળકી સહિત ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક મહિલાની શોધખોળ ચાલી રહી છે. ત્રણ બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળી આવ્યા છે. પરિવારની કારને ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયા દ્વારા કાઢવામાં આવી હતી.
પરિવાર ભેસાણ ગામે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો
મળતી માહિતી પ્રમાણે કારમાં સવાર પરિવાર દિયોદરના ભેસાણ ગામે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કાર રોડની સાઈડમાં ઉતરી જતાં કેનાલમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાની હજુ શોધખોળ ચાલી રહી છે.
ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સ્થાનિક લોકો અને બચાવ ટીમો દ્વારા મહિલાની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ, મૃત્યુઆંક વધીને 21 થયો, પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી
દુર્ઘટનાના કારણો અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રાઈવરે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકી હોવાની શક્યતા સેવાઈ રહી છે. અકસ્માતના બનાવ બાદ કેનાલ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.