અમદાવાદ પ્લેન ક્રેશના મીડિયા રિપોર્ટ્સ પર અમેરિકાની એજન્સીના વડાએ કહ્યું – બેજવાબદાર અને અટકળો પર આધારિત

Air India Ahmedabad Plane Crash : અમેરિકાની તપાસ એજન્સી NTSB ના વડા જેનિફર હોમેન્ડીએ કહ્યું કે એર ઇન્ડિયાના ક્રેશ અંગેના તાજેતરના મીડિયા અહેવાલો સમયથી પહેલા અને અટકળો લગાવનાર છે

Written by Ashish Goyal
Updated : July 19, 2025 20:01 IST
અમદાવાદ પ્લેન ક્રેશના મીડિયા રિપોર્ટ્સ પર અમેરિકાની એજન્સીના વડાએ કહ્યું – બેજવાબદાર અને અટકળો પર આધારિત
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના 12 જૂન 2025 ના રોજ બની હતી. (Express Photo: Bhupendra Rana)

Air India Plane Crash : અમદાવાદના પ્લેન ક્રેશ મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે હાલમાં જ પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. તેનાથી પાઇલટ્સની ભૂલો અંગે શંકા ઉભી થઈ હતી. જોકે સરકાર અને તપાસ એજન્સી તરફથી કહેવામાં આવ્યું હતું કે પાયલટોની ભૂલ કહેવી પ્રાથમિક તપાસની ધારણા છે. આ કારણે AAIBએ વિમાન દુર્ઘટનાની તપાસને લઈને અટકળો પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. હવે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી)ના વડા જેનિફર હોમેન્ડીએ પણ AAIB નું સમર્થન કર્યું છે.

અમેરિકાના કેટલાક મીડિયા સંસ્થાનોએ અહેવાલ આપ્યો હતો કે પાઇલોટની ભૂલને કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું અને 260 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમયે હોમેન્ડીએ કહ્યું હતું કે મીડિયામાં આવી રહેલા અહેવાલો સંપૂર્ણપણે બેજવાબદાર અને અટકળો પર આધારિત છે.

એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર જેનિફર હોમેન્ડીએ શું કહ્યું?

જેનિફર હોમેન્ડીએ કહ્યું કે એર ઇન્ડિયાના ક્રેશ અંગેના તાજેતરના મીડિયા અહેવાલો સમયથી પહેલા અને અટકળો લગાવનાર છે. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ હાલમાં જ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ સ્તરની તપાસમાં સમય લાગે છે. અમે એએઆઈબીની જાહેર અપીલને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. તેમણે કહ્યું કે તેઓ ચાલી રહેલી તપાસનું સમર્થન કરતા રહેશે. તપાસ સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ એએઆઈબીને કરવું જોઈએ.

એએઆઈબીના મહાનિર્દેશકે કરી હતી અપીલ

ગુરુવારે જારી કરવામાં આવેલી અપીલમાં એએઆઈબીના મહાનિર્દેશક જીવીજી યુગંધરે જાહેર જનતા અને મીડિયાને એર ઇન્ડિયા દુર્ઘટના પર કહ્યું હતું કે તેમણે કોઇપણ અટકળો પર આધારિત રિપોર્ટ્સ કે કહાનીને રજુ કરવાથી બચવું જોઈએ. યુગંધરે એમ પણ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મીડિયાનો એક વર્ગ વારંવાર પસંદગીયુક્ત અને અપ્રમાણિત રિપોર્ટિંગ દ્વારા નિષ્કર્ષ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને બેજવાબદાર ગણાવ્યો છે કારણ કે તપાસ હજી ચાલુ છે.

આ પણ વાંચો – એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : AAIB પ્રાથમિક રિપોર્ટ જાહેર, થોડી વિગતો આપી, ઘણી છુપાવી!

યુગંધરે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલમાં માત્ર અકસ્માતમાં બનેલી ઘટનાઓની વિગતો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કોઇ ચોક્કસ તારણ પર પહોંચવું વહેલું ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંતિમ અહેવાલમાં અકસ્માતના મૂળ કારણો જાહેર કરવામાં આવશે. યુગંધરનું આ નિવેદન દુર્ઘટનાના સંભવિત કારણ વિશે તીવ્ર અટકળો વચ્ચે આવ્યું છે, જે ચાર દાયકામાં ભારતીય એરલાઇન્સ સાથે સંકળાયેલો સૌથી ખરાબ ઉડ્ડયન અકસ્માત છે.

પ્રોફેશનલ રીતથી થઇ રહી છે તપાસ

યુગંધરે જણાવ્યું હતું કે આ સ્તરની દુર્ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને લોકોને આઘાત પહોંચાડ્યો છે પણ એ સમજવું જરૂરી છે કે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગની સલામતી પ્રત્યે નિરાધાર તથ્યોના આધારે લોકોમાં ચિંતા કે ગુસ્સો પેદા કરવાનો આ સમય નથી, ખાસ કરીને અસમર્થિત તથ્યોના આધારે. એએઆઈબીના ડીજીએ એમ પણ કહ્યું હતું કે બ્યુરો તકનીકી અને જાહેર હિતથી સંબંધિત અપડેટ્સ જરૂરિયાત મુજબ પ્રકાશિત કરશે.

એએઆઈબીના વડાના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાની તપાસ એએઆઈબીના નિયમો અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર કઠોર અને પ્રોફેશનલ રીતથી કરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ