ભરૂચઃ ગુજરાતના ભરૂચમાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હજુ ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ તેના મોતને 24 કલાક વિત્યા નથી અને ભરૂચમાં એક નરાધમ યુવકે 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ એક યુવકે વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવકની ઉંમર 35 વર્ષ જ્યારે મહિલાની ઉંમર 70 વર્ષ હોવાનું કહેવાય છે.
શું છે સમગ્ર મામલો?
ભરૂચ જિલ્લામાં જામીન પર બહાર આવેલા 35 વર્ષીય યુવકે 70 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. આ યુવક પહેલા પણ આ મહિલાની જાતીય સતામણી કરતો હતો. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) પી.એલ. ચૌધરીએ આ અંગે માહિતી આપી છે.
તેમણે જણાવ્યું કે આરોપી શૈલેષ રાઠોડે 15 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરે ખેતરમાં એક વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ મહિલાને ધમકી પણ આપી હતી અને કહ્યું હતું કે જો તે આ અંગે કોઈને કહેશે તો તેના ગંભીર પરિણામો ભોગવવું પડશે. જોકે મહિલાએ પોલીસને મદદ માટે અપીલ કરી હતી અને આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડવા માટે પોલીસ ટીમો બનાવી હતી જેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભરૂચની દુષ્કર્મ પીડિત બાળકીનું 8 દિવસ બાદ મોત, હોસ્પિટલમાં બે વખત આવ્યો હાર્ટ એટેક
ચોંકાવનારી વાત એ છે કે આરોપી પર 18 મહિના પહેલા આ જ મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ હતો, ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીનું કહેવું છે કે જામીન પર બહાર આવ્યા બાદ આરોપીએ ફરી એકવાર તે જ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં પણ 11 વર્ષની મજૂરની પુત્રી પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન પીડિતાના આંતરિક ભાગોમાં ઈજા થઈ હતી. જેના પછી તેનું મૃત્યુ થયું હતું. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં દિનપ્રતિદિન આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે.