Kangana Ranaut Emergency Release: કંગના રનૌત છેલ્લા કેટલાક દિવસોથી પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સી ને લઈ ચર્ચામાં છે. તે 6 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ, વધતા વિવાદોને કારણે આ ફિલ્મ સેન્સર બોર્ડમાં સર્ટિફિકેશન માટે અટવાઇ ગઇ હતી. આવી સ્થિતિમાં હવે તેની રિલીઝને સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ, આ ફિલ્મ ઘણા ફેરફારો સાથે રિલીઝ થશે. ઈમરજન્સી ફિલ્મમાં 10 ફેરફાર કરવામાં આવ્યા છે, જેની યાદી સેન્સર બોર્ડે ફિલ્મ મેકર્સને મોકલી છે. ફિલ્મમાં 3 કટ પણ છે. આ ફિલ્મને યુએ સર્ટિફિકેટ (UA certification) આપવામાં આવ્યું છે.
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી માં બતાવવામાં આવેલા વિવાદિત નિવેદનો પર સેન્સર બોર્ડે ફિલ્મ મેકર્સ પાસે તથ્યોની માંગણી કરી છે. તેમા પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન દ્વારા ભારતીય મહિલાઓ પ્રત્યે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બતાવવામાં આવી છે. તેમાં વિન્સ્ટન ચર્ચિલની ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે કે ભારતીયો સસલાની જેમ ઉછેર કરે છે. સેન્સર બોર્ડની માગણી બાદ હવે મેકર્સે આ બંને વિવાદિત નિવેદનો અંગે સૂત્રોને જણાવવું પડશે.
આ ફિલ્મ 8 જુલાઈએ સેન્સર બોર્ડને સર્ટિફિકેટ માટે સબમિટ કરવામાં આવી હતી. જો કે, વધતા જતા વિવાદોને કારણે, તેના સર્ટિફિકેટમાં વિલંબ થયો હતો. તેને 8 ઓગસ્ટના રોજ યુ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં 3 કટ સહિત 10 ફેરફાર માટે સૂચનો આપવામાં આવ્યા છે. લગભગ 3 અઠવાડિયા પહેલા શીખ સંગઠન અકાલ તખ્ત અને શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં, સીબીએફસીએ હવે મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડને એક પત્ર લખીને 10 ફેરફારોની યાદી મોકલી છે.
1 સીન ડિલીટ કરવો પડશે, 1 કટ કરવા મેકર્સ તૈયાર ન હતા
સેન્સર બોર્ડ દ્વારા એક સીન બદલવાનું સૂચન કરવામાં આવ્યું છે. બોર્ડ તરફથી માંગ કરવામાં આવી છે કે કાં તો તેને ડિલીટ કરી દેવામાં આવે અથવા તો તેમાં ફેરફાર કરવામાં આવે. તેમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશના શરણાર્થીઓ પર હુમલો કરતા જોવા મળે છે, જેમાં એક સૈનિકે એક બાળકનું માથું તોડી નાખ્યું હતું અને બીજા દૃશ્યમાં એક મહિલાનું માથું કાપી નાખ્યું હતું.
આ ઉપરાંત ફિલ્મમાં એક નેતાના મૃત્યુના જવાબમાં ભીડમાંના કોઇએ પોકારેલા અપશબ્દોમાં ફેરફાર કરવા ફિલ્મ સર્જકોને કહેવાયું હતું. સમિતિએ એક લાઇનમાં ઉલ્લેખિત પરિવારની અટક બદલવાનું પણ કહ્યું હતું. એટલું જ નહીં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવી રહ્યું હતું કે સીબીએફસીના 8 ઓગસ્ટના પત્ર બાદ ફિલ્મ નિર્માતાઓએ 14 ઓગસ્ટે જવાબ આપ્યો હતો. એ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. સૂત્રની વાત સાચી માનીએ તો, ફિલ્મ નિર્માતા એકને બાદ કરતાં તમામ કટ અને ફેરફારો માટે સંમતિ આપી હતી.
કંગના રનૌતે ટ્વિટર પર શેર કર્યો હતો આ વીડિયો
તમને જણાવી દઈએ કે કંગના રનૌતે અપકમિંગ મૂવી ઈમરજન્સી ના વધતા વિવાદો વચ્ચે ટ્વિટર એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે તેની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી રિલીઝ માટે હજુ સુધી સર્ટિફિકેટ મળ્યું નથી. આનું કારણ એ હતું કે સેન્સર બોર્ડને ધમકીઓ મળી રહી હતી અને તેમાં કેટલાક તથ્યો હતા, જે વિવાદિત હતા અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા. આ કારણે સર્ટિફિકેટ મળ્યું ન હતું.