Ganesh Chaturthi Vrat Katha : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે લોકો બાપ્પાની પોતાના ઘરે સ્થાપના કરશે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ આ દિવસે પૂજા કર્યા બાદ વ્રત કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે. નહીં તો પૂજા અધૂરી ગણાય છે. આવો આ વ્રત કથા વિશે જાણીએ.
ગણેશ ચતુર્થી વ્રત કથા
પુરાણો મુજબ એકવાર બધા દેવતાઓ સંકટમાં મુકાઈ ગયા અને પરેશાન થઈને ભગવાન શિવ પાસે પહોંચી ગયા હતા. તે સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણેશ સાથે હાજર હતા. દેવતાઓની સમસ્યાઓ સાંભળીને ભગવાન શિવે પોતાના પુત્રોને કહ્યું કે તમારા બંને માંથી આમની સમસ્યાઓનું નિવારણ કોણ લાવી શકે છે? આવી સ્થિતિમાં, બંનેએ પોતાને એક જ સ્વરમાં પોતાને યોગ્ય ગણાવ્યા હતા.
ભગવાન શિવ મૂંઝવણમાં મુકાઇ ગયા કે આ કાર્ય કોને સોંપવું જોઈએ. તો આવી સ્થિતિમાં ભગવાન શિવે એક યુક્તિ કાઢી અને પોતાના પુત્રોને કહ્યું કે તમારા બન્નેમાંથી જે સૌથી પહેલા આ પૃથ્વીનું ચક્કર લગાવીને આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.
આ પણ વાંચો – ગણપતિ બાપ્પાના સ્વાગત પહેલા આ રીતે કરો મંદિરની સફાઇ
શિવના શબ્દો સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેઠા અને નીકળી પડ્યા હતા. પરંતુ ગણેશ વિચારવા લાગ્યા કે તે મૂષક (ઉંદર) પર બેસીને પૃથ્વીની આટલી ઝડપથી પરિક્રમા કેવી રીતે કરી શકશે. ઘણો વિચાર કર્યા પછી તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને પોતાના માતા પિતાની સાત વખત પ્રદક્ષિણા કર્યા પછી પોતાની જગ્યાએ પાછા બેસી ગયા અને કાર્તિકેયના આવવાની રાહ જોવા લાગ્યા.
ભગવાન શિવે ગણેશને પરિક્રમા ન કરવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે આખું વિશ્વ માતા-પિતાના ચરણોમાં છે. ભગવાન શિવ પણ તેમના આ જવાબથી પ્રસન્ન થયા અને તેમને દેવતાની મદદ કરવાનું કાર્ય સોંપ્યું. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક ચતુર્થીના દિવસે તમારી પૂજા અને વ્રત કરશે તેના તમામ કષ્ટ દૂર થઇ જશે. કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે આ વ્રતની કથા વાંચવા અને સાંભળવાથી તમામ કષ્ટોનો નાશ થાય છે.