Ganesh Chaturthi 2025 : હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ વર્ષે 27 ઓગસ્ટે આ તહેવાર આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીના પર્વ પર ભક્તો બાપ્પાની મૂર્તિને ઘર, ઓફિસ, દુકાનો અને મંદિરોમાં સ્થાપિત કરે છે.
એવી માન્યતા છે કે ભગવાન ગણેશ જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી હોય છે. આવી સ્થિતિમાં જો તમે આ વર્ષે તમારા ઘરે બાપ્પાનું સ્વાગત કરવા જઇ રહ્યા છો, તો પછી ઘર અને મંદિરની અગાઉથી સાફસફાઈ કરો. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.
જૂના વસ્તુઓને હટાવો
મંદિરની સફાઈ કરતા પહેલા તેમાં રાખેલા જૂના ફૂલો, માળા, અગરબત્તી, કપૂર અને તેમાં રાખેલી તૂટેલી પૂજાની વસ્તુઓ દૂર કરો. હવે બધી મૂર્તિઓ અને ચોકીઓને સૂકા કપડાથી સાફ કરી નાખો. હવે તેને ભીના કપડાથી સાફ કરી લો. ભગવાનની મૂર્તિઓને ખૂબ કાળજીપૂર્વક સાફ કરો. તમે લીંબુ અને બેકિંગ સોડાના ઉપયોગથી સોના-ચાંદી અથવા પિત્તળની મૂર્તિઓને પણ સાફ કરી શકો છો.
મંદિરની જગ્યાને શુદ્ધ કરો
મંદિરની સફાઈ કર્યા પછી, તમે તેને શુદ્ધ કરો. આ માટે તમે ગંગાજળનો ઉપયોગ કરી શકો છો. ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે અને તે મંદિરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તેને ચારે બાજુ છાંટવાથી શુદ્ધિ તો થાય જ છે સાથે જ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે.
આ પણ વાંચો – ભગવાન ગણેશના દરેક અંગોમાં છુપાયેલું છે રહસ્ય, સૂંઢથી લઇને કાન સુધી શું છે મહત્વ
મંદિરને નવી રીતે સજાવો
સાફસફાઈ કર્યા પછી મંદિરને પોતાના પ્રમાણે સજાવો. આ માટે તમે તાજા ફૂલો, તોરણ અને રંગોળીનો પણ ઉપયોગ કરી શકો છો. ગણપતિ બાપ્પાના સ્વાગત માટે તમે મંદિરની આસપાસ રંગબેરંગી લાઇટ્સ અથવા દીવા પણ મૂકી શકો છો.