યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષના પરિણામોમાં શક્તિ દુબેએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હર્ષિતા ગોયલે બીજા સ્થાને આવીને પોતાની સફળતાનો ધ્વજ લહેરાવ્યો છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1129 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ભારતીય વહીવટી સેવા (IAS) ની 180 જગ્યાઓ, ભારતીય વિદેશ સેવા (IFS) ની 55 જગ્યાઓ અને ભારતીય પોલીસ સેવા (IPS) ની 147 જગ્યાઓનો સમાવેશ થાય છે.
હર્ષિતા ગોયલે મેળવ્યો બીજો રેન્ક
હર્ષિતા હરિયાણાના હિસારની રહેવાસી છે. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ વડોદરાથી કર્યું છે. આ પછી તેમણે વડોદરાની મહારાજ સયાજી રાવ યુનિવર્સિટીમાંથી બી.કોમનો અભ્યાસ પણ કર્યો. હર્ષિતા CA પણ છે. હર્ષિતાના વિષયો આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકીય વિજ્ઞાન રહ્યા છે. હર્ષિતાના પિતા ગુજરાતમાં ખાનગી નોકરી કરે છે જેના કારણે તેમનો પરિવાર હરિયાણાથી ગુજરાતમાં સ્થાયી થયો.
UPSC ટોપર શક્તિ દુબે જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની છે. તાજેતરમાં એક મોક ઇન્ટરવ્યુ દરમિયાન, એકેડેમીને જણાવ્યું કે તેણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બનારસ યુનિવર્સિટી પસંદ કરી અને ત્યાં બાયોકેમિસ્ટ્રીમાં અભ્યાસ કર્યો. શક્તિએ 2018 માં UPSC ની તૈયારી શરૂ કરી હતી અને હવે તેની મહેનત સફળ થઈ છે.
આ પણ વાંચો: યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાનું ફાઈનલ પરિણામ જાહેર
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા 2024 માં નિમણૂક માટે કુલ 1,009 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) ના પદો પર નિયુક્ત કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોમાં વિવિધ શ્રેણીઓના ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં સામાન્ય શ્રેણીના 335, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), 109 અન્ય પછાત વર્ગ (OBC), 160 અનુસૂચિત જાતિ (SC) અને 87 અનુસૂચિત જનજાતિ (ST)નો સમાવેશ થાય છે.