NEET UG Result 2025, neet.nta.nic.in: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં રાજસ્થાનના રહેવાસી મહેશ કુમારને પહેલો રેન્ક પ્રાપ્ત થયો છે. પરિણામ જાહેર થયા પછી ઉમેદવારો NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.
નવીનતમ માહિતી અનુસાર NEET UG 2025 પરિણામ શનિવાર, 14 જૂન, 2025 ના રોજ જાહેર થયું છે. ગયા વર્ષે, NTA એ NEET પરિણામ 4 જૂન, 2024 ના રોજ, 14 જૂનની નિર્ધારિત તારીખથી 10 દિવસ પહેલા જાહેર કર્યું હતું. NEET UG પરિણામ સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે. ટોપર્સના નામ અને તેમના મહત્વપૂર્ણ આંકડાઓ વિશેની માહિતી પણ NTA દ્વારા શેર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે NEET UG પરીક્ષા 4 મે 2025 ના રોજ લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 22.7 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષા ભારતના 557 શહેરોમાં 4,750 કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો પર લેવામાં આવી હતી.
પરિણામ સાથે અંતિમ આન્સર કી પણ જાહેર કરવામાં આવી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG પરીક્ષાના પરિણામ સાથે અંતિમ આન્સર કી પણ જાહેર કરી છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને તેમનું પરિણામ અને અંતિમ આન્સર કી બંને ચકાસી શકે છે.
ગુજરાતના બે વિદ્યાર્થીઓ ઝળક્યા
NEET UG પરિણામ 2025 બહાર પડ્યું છે ત્યારે ટોપ ટેન યાદીમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં જેનીલ વિનોદભાઈ ભાયાણીને છઠ્ઠો રેંક મળ્યો છે ત્યારે ભવ્ય ચિરાગ ઝાને આઠમો રેંક મળ્યો છે.
ટોપ ટેનમાં અવિકા અગ્રવાલ એકમાત્ર યુવતી
નીટ યુજી 2025 ટોપર્સ પરિણામમાં અવિકા અગ્રવાલ એક માત્ર યુવતી છે. જેણે ટોપ 10માં જગ્યા બનાવી છે. અવિકા અગ્રવાલને AIR માં 5મું સ્થાન મલ્યું છે. અવિકાએ 99.9996832 પર્સેન્ટાઈલનો સ્કોર કર્યો છે. ટોપર્સની યાદીમાં ખાસ વાત એ છે કે બધા ટોપ 10 રેંક હોલ્ડર કેન્ડિડેટ જનરલ કેટેગરીના છે.
NEET UG 2025 પરિણામ જાહેર, ટોપર્સની યાદી અહીં જુઓ
- મહેશ કુમાર – રેન્ક 1
- ઉત્કર્ષ અવધિયા – રેન્ક 2
- કૃષાંગ જોશી – રેન્ક 3
- મૃણાલ કિશોર ઝા – રેન્ક 4
- અવિકા અગ્રવાલ – રેન્ક 5
- જેનીલ વિનોદભાઈ ભાયાણી – રેન્ક 6
- કેશવ મિત્તલ – રેન્ક 7
- ઝા ભવ્ય ચિરાગ – રેન્ક 8
- હર્ષ કેદાવત – રેન્ક 9
- આરવ અગ્રવાલ – રેન્ક 10
NEET UG પરિણામ ક્યાં અને કેવી રીતે તપાસવું?
NEET UG પરિણામ તપાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ.વેબસાઇટના હોમ પેજ પર નીચે સ્ક્રોલ કરો અને ઉમેદવાર પ્રવૃત્તિ વિભાગમાં NEET(UG)-2025 પરિણામ લિંક પર ક્લિક કરો.હવે એક નવું પેજ ખુલશે, જેમાં તમારો અરજી નંબર અને જન્મ તારીખ, સિક્યોરિટી પિન દાખલ કરો અને તેને સબમિટ કરો.NEET UG પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
NEET UG પરિણામ જાહેર થયા પછી આગળ શું કરવું?
NEET UG 2025 પરિણામ જાહેર થયા પછી, આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. આ ઉપરાંત, વિવિધ રાજ્યોમાં રાજ્ય સ્તરની મેડિકલ કોલેજો માટે પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ અંગેની માહિતી સંબંધિત મેડિકલ કોલેજોની વેબસાઇટ અને MCCની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.