GSEB 10th Result 2025 declared, Gujarat board SCC result 2025 : ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ આજે 8 મે 2025, ગુરુવારના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ નોંધાયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે તારીખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ 762485 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 746892 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. અને 620532 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 83.08 ટકા નોંધાયું છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 82313 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 78613 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 25357 પરીક્ષાર્થીઓ સફર થતાં તેઓનું પરિણામ 32.26 ટકા નોંધાયું છે.
આ ઉપરાંત GSOS પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કૂલ 19925 પરીક્ષાર્થીઓ પૈકી 18553 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 5043 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા તેઓનું પરિણામ 27.18 ટકા નોંધાયું છે.
બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી
બોર્ડે જાહેર કરેલા પરિણામમાં સૌથી વધારે પરિણામ સાથે બનાસકાંઠાએ બાજી મારી હતી. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 89.29 ટકા પરિણામ નોંધાયું હતું. ગત વર્ષે ગાંધીનગર જિલ્લામાં 87.22 ટકા સૌથી વધારે પરિણામ નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા રહ્યો હતો. ખેડામાં 72.55 ટકા પરિણામ નોંધાયું હતું.
1574 શાળાઓમાં 100 પરિણામ, 45 શાળાઓનું પરિણામ ઝીરો
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલી પરિણામની માહિતી પ્રમાણે ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં રાજ્યની 1574 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. આ વર્ષે આવી શાળાઓમાં વધારો થયો છે ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 1389 શાળાઓ નોંધાયી હતી. આ વર્ષે 30 ટકા કરતા ઓછું પરિણઆમ ધરાવતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થતાં 201 શાળાઓ નોધાઈ છે. જે ગત વર્ષ 264 હતી. આ ઉપરાંત ગુજરાતની 45 શાળાઓ એવી છે જેનું 0 શુન્ય પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓને પાછળ છોડી વિદ્યાર્થીનીઓ આગળ નીકળી
ગુજરાત બોર્ડ ધો.10 પરિણામમાં ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. નિયમિત વિદ્યાર્થીનીઓએ 87.24 ટકા પરિણામ સાથે અવલ્લ રહી હતી. જ્યારે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા નોંધાયું હતું. પુનરાવર્તિત વિદ્યાર્થીઓનું 30.35 ટકા પરિણામ રહ્યું હતું. જ્યારે પુનરાવર્તિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 36.79 ટકા રહ્યું હતું.
ગુજરાતી માધ્યમનું 81.79 ટકા પરિણામ નોંધાયું
બોર્ડે આપેલી માહિતી પ્રમાણે આ વખતના ધોરણ 10ના પરિણામમાં અંગ્રેજી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું 92.58 ટકા પરિણામ, ગુજરાતી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું 81.79 ટકા પરિણામ જ્યારે હિન્દી માધ્યમના નિયમિત પરીક્ષાર્થીઓનું 76.47 ટકા પરિણામ નોંધાયું હતું.
માધ્યમ પરિણામ(%) ગુજરાતી 81.79 હિન્દી 76.47 મરાઠી 77.61 અંગ્રેજી 92.58 ઉર્દુ 80.99 ઓરિયા 88.28
A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ
બોર્ડે જાહેર કરેલા પરિણામમાં 28055 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. 86459 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે. 12474 વિદ્યાર્થીઓએ B-1 ગ્રેડ મેળવ્યો છે. 152084 વિદ્યાર્થીઓએ B-2 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 152084 વિદ્યાર્થીઓએ C-1 ગ્રેડ મેળવ્યો છે. અને 78137 વિદ્યાર્થીઓ C-2 ગ્રેડ સાથે ઉતિર્ણ થયા છે. 6066 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. તો 13 વિદ્યાર્થીઓ એવા છે જેમણે E-1* મેળવ્યો છે.
મુખ્ય વિષયોનું પરિણામ
વિષય પરિણામ(%) ગુજરાતી FL 91.29 હિન્દી FL 93.38 અંગ્રેજી FL 97.26 સોશિયલ સાયન્સ 93.78 વિજ્ઞાન 87.84 ગણિત 99.35 ગુજરાતી SL 95.37 હિન્દી SL 93.51 અંગ્રેજી SL 93.54 સંસ્કૃત SL 97.06 બેઝીક ગણિત 83.47
ધોરણ 10ના રિઝલ્ટની બધી જ માહિતી આ પીડીએફમાં જુઓ
પરિણામ કેવી રીતે જોવું?
તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.