OpenAI ChatGPT : 2025માં શું તમે હજુ પણ ફક્ત Google જ કરો છો કે તમે ચેટજીપીટીનો પણ ઉપયોગ કરી રહ્યા છો? એક સમય હતો જ્યારે આપણે ઝડપથી દરેક સવાલનો જવાબ જાણવા માટે ગૂગલ પાસે પહોંચી જતા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે દુનિયાની સૌથી મોટી ટેક જાયન્ટ ગૂગલનું વર્ચસ્વ ઘટવા લાગ્યું છે અને તેનું કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. ટેક્નોલોજીના આ યુગમાં હવે લોકો સવાલો, જવાબો, દુવિધાઓ માટે જૂના ગૂગલ કરતા ચેટજીપીટીને વધુ પસંદ કરી રહ્યા છે.
ઓપનએઆઈના ડેટાના આધારે ચેટજીપીટી ચેટબોટ પર દરરોજ 2.5 અબજ પ્રોમ્પ્ટ મળી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ચેટજીપીટી દૈનિક પ્રોમ્પ્ટ પર પ્રક્રિયા કરી રહી છે. તમને જણાવી દઈએ કે માત્ર 8 મહિનામાં આ ડેટા બમણો થઈ ગયો છે. આ સૂચવે છે કે વિશ્વનું સૌથી લોકપ્રિય ચેટબોટ ધીમે ધીમે ગૂગલ સર્ચનું સ્થાન લઈ શકે છે.
ઓપનએઆઈના ડેટા અનુસાર તેમાંથી લગભગ 330 મિલિયન દૈનિક પ્રોમ્પ્ટ્સ એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આવે છે. ડિસેમ્બર 2024માં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને અહેવાલ આપ્યો હતો કે ચેટજીપીટી 1 અબજથી વધુ દૈનિક સવાલોને હેન્ડલ કરી રહ્યું હતું. સાત મહિનામાં દૈનિક 1 અબજથી 2.5 અબજ દૈનિક સર્ચ, ચેટજીપીટીમાં મોટો વધારો જોવા મળ્યો છે.
શું ચેટજીપીટીએ Google ને માત આપી?
ચેટજીપીટીએ દરરોજ 2.5 અબજ સર્ચની જંગી સિદ્ધિ હાંસલ કરી હોવા છતાં તે ગૂગલના દૈનિક સર્ચ કરતાં ઘણું પાછળ છે. ગૂગલ અંદાજે 13.7 અબજથી 16.4 અબજ ડેઇલી સર્ચને સંભાળે છે. (5 ટ્રિલિયન સર્ચના એન્યુઅલ ડિસ્ક્લોઝરના આધારે) જે તેને ચેટજીપીટીના ડેઇલી સર્ચ ડેટા કરતા ઘણું આગળ રાખે છે.
જોકે આ ડેટાને અલગ દ્રષ્ટિકોણથી જોતા ચેટજીપીટી ફક્ત ત્રણ વર્ષ જૂનું હોવા છતાં ગૂગલના દૈનિક ક્વેરી વોલ્યુમના લગભગ પાંચમા ભાગ પર પ્રોસેસ કરી રહ્યું છે. જ્યારે ગૂગલ દાયકાઓથી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
વિશ્વભરમાં ઇન્ટરનેટ સર્ચ પર ચેટજીપીટીની અસર સ્પષ્ટપણે જોઇ શકાય છે. જ્યારે ગૂગલ પણ પોતાના સર્ચ રિઝલ્ટમાં એઆઈ મોડ લાગુ કરી રહ્યું છે. ગૂગલનું એઆઈ મોડ સવાલો અને જટિલ પ્રશ્નોના વાતચીતના જવાબો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પર્પ્લેક્સિટી એઆઇ (AI) પણ વધુ સંશોધન-કેન્દ્રિત એઆઇ સર્ચ એન્જિન તરીકે લોકપ્રિયતા મેળવી રહી છે.
Bharti Airtel સાથે Perplexity ની ડીલ હેઠળ ગ્રાહકોને Perplexity પ્રોનું એક વર્ષનું સબ્સક્રિપ્શન ફ્રીમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. તેનો હેતુ ભરોસાપાત્ર અને વિશ્વસનીય એઆઈ સર્ચ એન્જિન ઇચ્છતા ભારતીયોમાં તેને વધુ લોકપ્રિય બનાવવાનો છે. આ પ્રયાસ સફળ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે Perplexity એપ્લિકેશન ભારતમાં એપલના એપ સ્ટોર પર નંબર 1 એઆઈ એપ્લિકેશન બની ગઈ છે.
ચેટજીપીટી વધુ શક્તિશાળી બનશે
ઓપનએઆઈની ગતિ હજી અટકવાની નથી. અહેવાલો સૂચવે છે કે સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની કંપની એઆઇ સંચાલિત વેબ બ્રાઉઝર પર કામ કરી રહી છે જે સીધી રીતે ગૂગલ ક્રોમ સાથે સ્પર્ધા કરે છે. તેણે ChatGPT Agent પણ લોન્ચ કર્યો છે જે યુઝર્સ તરફથી ટાસ્ક પર્ફોમન્સ કરે છે.
ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું કહેવું છે કે ભલે ચેટજીપીટી અત્યારે ગૂગલનું સ્થાન ના લઇ રહ્યું હોય પરંતુ તે યુઝર્સને સર્ચ, યુટીલાઇઝ કરવા અને વિશ્વાસની રીતને સુધારી રહ્યું છે.