Share Market Today News Highlight: શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે બની રહ્યો હતો. સતત ચોથા દિવસે મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો અને મહત્વપૂર્ણ સપાટી નીચે બંધ થયા છે. સેન્સેક્સમાં 765 પોઇન્ટનો કડાકો બોલાયો અને 79857 બંધ થયો છે. આ સેન્સેક્સ 3 મહિના બાદ 80000 નીચે બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 233 પોઇન્ટ તૂટી 24363 બંધ થયો છે. ટ્રમ્પ ટેરિફ ટેન્શનમાં શેરબજારમાં ચારેબાજુ વેચવાલી હતી.
શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટના કારણે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80623 લેવલથી નીચા ગેપમાં આજે 80478 ખુલ્યો હતો. ટ્રમ્પ ટેરિફ ટેન્શન અને ક્રૂડ ઓઇલમાં તેજીના પગલે સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ 300 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 80370 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24596 સામે શુક્રવારે 24544 ખુલ્યો હતો.
અમેરિકામાં ગોલ્ડની આયાત પર ટેરિફ બાદ સોનાના ભાવ રેકોર્ડ હાઇ
અમેરિકાએ સોનાની આયાત પર ટેરિફ લાદી છે,જેના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઉછળી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકા એ 1 કિલો સોનાના બારની આયાત પર ટેરિફ લાદ્યો છે, જેમાં કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેરિફ લાદવાના સમાચાર અમેરિકામાં સોનાના વાયદા અને હાજર ભાવમાં 100 ડોલરથી વધુ ઉછાળો આવ્યો છે. યુએસ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 3493 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો હતો. વૈશ્વિક બજારોની તેજી સાથે ભારતમાં સોનાના ભાવ વધ્યા છે. આજે એમસીએક્સ ગોલ્ડ વાયદો 642 રૂપિયાની તેજીમાં 1,02,110 રૂપિયા બોલાતો હતો.