RBI Monetary Policy Meeting News 2025: આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી જાહેર કરી છે. આરબીઆઈએ રેપો રેટ સહિત તમામ મુખ્ય વ્યાજદર યથાવત રાખ્યા છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા એ ધિરાણનીતિ જાહેર કરતા કહ્યું કે, રેપો રેટ 5.50 ટકા યથાવત રાખવામાં આવે છે તેમજ ન્યુટ્રલ વલણ જાળવી રાખ્યું છે. RBI એ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અગાઉના રેટ કટની શું અસર થશે તે જોવા માટે હજુ પણ સમયની જરૂર છે. આરબીઆઈ એમપીસીના તમામ 6 સભ્યો રેટ કટ ન કરવાની તરફેણમાં હતા.
RBI હાલના પોલિસી રેટ
રેપો રેટ : 5.50 ટકાCRR : 4.00 ટકાSLR : 18.00 ટકા
FY26નો GDP અંદાજ જાળવી રાખ્યો
આ સાથે જ નાણાકીય વર્ષ 2026 માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ પણ 6.5 ટકા યથાવત રાખ્યો છે. RBIની મોનેટરી પોલિસી કમિટી એ સર્વસંમતિથી પોલિસી રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જે વર્ષની શરૂઆતમાં 1 ટકાના રેટ કટ બાદ લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ફુગાવો વધુ વધવાની અપેક્ષા છે.
આરબીઆઈ ચાલુ સમગ્ર નાણાકીય વર્ષ 2026ના પ્રત્યેક ત્રિમાસિક જીડીપી ગ્રોથનો અંદાજ જાહેર કર્યો છે. જે મુજબ જૂન ક્વાર્ટર 2025માં 6.5 ટકા, સપ્ટેમ્બર ક્વાર્ટર 2025માં 6.7 ટકા, ડિસેમ્બર ક્વાર્ટર 2025માં 6.6 ટકા અને માર્ચ ક્વાર્ટર 2026માં 6.3 ટકાના દરે અર્થવ્યવસ્થા વૃદ્ધિ પામવાની શક્યતા છે.
મોંઘવારી દર 4 ટકા સ્તરે સ્થિર
ધિરાણનીતિની ઘોષણા કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, મુખ્ય ફુગાવો 4 ટકા પર સ્થિર રહ્યો છે. સામાન્યથી વધુ દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ અને અન્ય સાનુકુળ પરિસ્થિતિઓ વૃદ્ધિને ટેકો આપવાનું ચાલુ રાખે છે.
અગાઉ આરબીઆઈ એ જૂન મહિનાની મોનેટરી પોલિસીમાં આશ્ચર્યજનક 0.50 ટકા રેપો રેટ ઘટાડી 5.50 ટકા કર્યો હતો. આ અગાઉ બે તબક્કામાં પણ અડધો ટકા વ્યાજદર ઘટાડ્યો હતો. આમ 3 તબક્કામાં કુલ 1 ટકા રેપો રેટ ઘટાડ્યો છે.