ICICI Bank MAB hike: દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક ICICI એ ઓગસ્ટ 2025થી મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવેલા તમામ ખાતાઓ માટે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ (MAB) 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દીધું છે. આ નવો નિયમ ફક્ત 1 ઓગસ્ટ 2025 પછી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ થશે. જૂના ખાતાધારકો માટે જૂની રકમ મર્યાદા હાલ માટે લાગુ રહેશે.
ICICI બેંક દ્વારા માસિક સરેરાશ બેલેન્સમાં વધારો ઘણો રહ્યો છે. સેમી અર્બન શાખાઓ માટે નવી MAB જરૂરિયાત 5,000 થી વધારીને 25,000 રૂપિયા થઈ ગઈ છે. બેંકના જણાવ્યા અનુસાર ગ્રામીણ શાખાઓના કિસ્સામાં ખાતામાં અગાઉ 2,500 રુપિયાની સરખામણીમાં હવે 10,000 રુપિયા લઘુત્તમ બેલેન્સની જરૂર પડશે.
જે ગ્રાહકોના ખાતામાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ રકમ હશે તેમને કેટલીક ખાસ સુવિધાઓ મળશે. આમાં મફત NEFT ફંડ ટ્રાન્સફર અને મહિનામાં ત્રણ વખત મફત કેશ ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે. આ પછી દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ફી વસૂલવામાં આવશે. આ બધા ચાર્જ પર GST પણ ચૂકવવો પડશે. MAB માં આ વધારો એવા સમયે થયો છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ તેમના દંડને તર્કસંગત બનાવ્યા છે અથવા તેમને સંપૂર્ણપણે માફ કરી દીધા છે.
જમા રકમ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ
જો ખાતાધારકો નિશ્ચિત MAB નહીં જાળવી રાખે તો તેમણે દંડ તરીકે રકમના છ ટકા અથવા 500 રૂપિયા (જે ઓછું હોય તે) ચૂકવવા પડશે. બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બચત ખાતામાં જમા કરાયેલ રકમ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળશે. તમને જણાવી દઈએ કે સેલેરી એકાઉન્ટ, પ્રધાનમંત્રી જન ધન ખાતું અને બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ ખાતાધારકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે કારણ કે આ ઝીરો બેલેન્સ ખાતા છે.
આ પણ વાંચો – દેશનું સૌથી સસ્તુ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, 100 કિમી રેન્જનો દાવો, જાણો કિંમત અને ફિચર્સ
ગયા અઠવાડિયે નાણા મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) એ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન MAB જાળવવામાં નિષ્ફળ રહેવાને કારણે દંડ તરીકે લગભગ 9,000 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ શેર કરેલા ડેટા અનુસાર રાજ્ય માલિકીના ધિરાણકર્તાઓએ 2020-21 થી શરૂ કરીને 2024-25 સુધીના પાંચ વર્ષમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવામાં નિષ્ફળતા પર દંડ તરીકે 8,932.98 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે.