How To Reduce Home Loan Interest Rates: આરબીઆઈ એ રેપો રેટ ન ઘટાડતા લોનધારકો નિરાશ થયા છે. અલબત્ત ચાલુ વર્ષે રિઝર્વ બેંક 3 તબક્કામાં 1 ટકા વ્યાજદર ઘટાડ્યો છે, તેનાથી હોમ લોન સહિતના લોનધારકોને મોટી રાહત મળી છે. ઘણી બેંકોએ રેપો રેટ કટનો લાભ લોનધારકોને આપ્યો છે. જો હજી સુધી તમારી બેંકે લોનના વ્યાજદર ઘટાડ્યા નથી તો આવી સ્થિતિમાં તમે અમુક ટ્રિક્સ અપનાવી તમારો હોમ લોન ઇએમઆઈ ઘટાડી શકાય છે. જાણો હોમ લોન ઇએમઆઈ અને લોનના વ્યાજદર ઘટાડવાની સરળ ટીપ્સ
ઇન્ટર્નલ બેલેન્સ ટ્રાન્સફર
ઇન્ટર્નલ બેલેન્સ ટ્રાન્સફર એટલે એક બેંકની અંદર જ એક લોન એકાઉન્ટ માંથી બીજા લોન એકાઉન્ટમાં બેલેન્સ ટ્રાન્સફર કરવું. તેમા સૌથી પહેલા હોમ લોનધારકે પોતાના બેંક સાથે વાતચીત કરવી જોઇએ. તેમા વધારે પેપરવર્ક કે પ્રોપર્ટીની રિવેલ્યૂએશન કરવાની જરૂર પડતી નથી અને પ્રોસેસિંગ ઝડપથી થઇ જાય છે. જો કે અમુક ચાર્જ ચૂકવવા પડે છે. બેંક કે એનબીએફસી સામાન્ય રીતે એક સ્વિચ ફી લે છે. તે કુલ લોન રકમના 0.25 ટકાથી 0.5 ટકા હોય છે. અમુક બેંકો ફ્લેટ પ્રોસેસિંગ ફી વસૂલે છે.
અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર
હોમ લોન સસ્તી કરવાનો બીજો વિકલ્પ છે તમારી હાલની હોમ લોનને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવી. સામાન્ય રીતે બેંકો નવા કસ્ટમરને નીચા વ્યાજદરે લોન ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. પરંતુ તેમા અમુક પેપરવર્ક કરવાની જરૂર પડે છે. હોન લોન કસ્ટમરનું વેરિફિકેશન અને પ્રોપર્ટીનું રિવેલ્યૂએશન થાય છે. હોમ લોન બેંક ટ્રાન્સફર કરવા પર બેંકો અમુક ચાર્જ પણ વસૂલે છે.
હાઇબ્રિડ સ્ટ્રેટેજી
જો બેંક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરવા તૈયાર થઇ જાય છે તો ગ્રાહક સામે બે વિકલ્પ રહે છે. પ્રથમ, હોમ લોન ઇએમઆઈની રકમ ઘટાડી શકે છે અને બીજું, હોમ લોનની મુદ્દત ઘટાડી શકે છે. ઇએમઆઈ એમાઉન્ટ ઘટવાથી ગ્રાહક પાસે વધારે પૈસા બચે છે. આ રકમનો ઉપયોગ તે અન્ય બચત યોજના કે અન્યત્ર રોકાણ માટે કરી શકે છે. જો કે હોમ લોનની મુદ્દત ઘટાડવાથી લોન ઝડપથી સમાપ્ત થઇ શકે છે.
હોમ લોન પાર્ટ પેમેન્ટ
હોન લોનધારક પાર્ટ પેમેન્ટ તરીને પણ લોન ઇએમઆઈ ઘટાડી શકે છે. લોન પાર્ટ પેમેન્ટમાં એકસામટી રકમ ચૂકવવાની હોય છે. જેનાથી તમારી કુલ બાકી લોન રકમ ઘટે છે. પરિણામ વ્યાજ બોજ ઘટવાથી સીધો તમારી હોમ લોન ઇએમઆઈ ઘટી જાય છે.